"આપણી જિંદગીમાં ખુશીઓ લાવનાર કોઈ હોય તો તે છે કુટુંબના મહારાજ
અથવા મેરેજ બ્યુરોવાળા, બાકી તમે એમ માનો કે કોઈ છોકરી આવે, વાત કરે, પ્રેમ થાય અને પછી
લગ્ન થાય ત્યાં આપણો મેળ ન આવે બોસ!" નિખિલ કોઈને સંભળાવી રહ્યો હોય તે રીતે
બોલ્યો. સોહાના અને પરેશ સોફ્ટડ્રિંક લઈ પાછા આવ્યા. પરેશે ધર્મીષ્ઠા અને નિખિલને
બોટલ આપી. સોહાનાએ રાજને બોટલ આપી તેની બાજુમાં બેશી.
રાજે
બોટલ ખોલતા નિખિલને પૂછ્યું: "તો તારો લગ્નનો શું વિચાર છે?"
નિખિલ:"ખબર
નહીં,
ઓફિસ હજી હમડા ચાલુ કરી છે એટલે ૨ વર્ષ તો કઈ પ્રોગ્રામ છે નહીં."
સોહાનાએ
રાજના ખભે હાથ મૂક્યો. તે ધર્મીષ્ઠા સામે જોઈ બોલી:"નિખિલ
હું તારા માટે છોકરી શોધું? મારા ધ્યાનમાં કોઈક છે." નિખિલ સમજી ગયો સોહાના કોની
વાત કરતી હતી. એણે સોહાનાને ચૂપ રહેવા ઈશારો કર્યો. પરેશે બીજી વાત કરવાનું શરૂ
કર્યું. રાજે એમાં સૂર પુરાવ્યો. ધર્મીસ્ઠાને આ શું વાત થઈ રહી છે તેની કઈ સમજ ન
પડી. નિખિલ હળવા ગુસ્સાથી સોહાના તરફ જોઈ રહ્યો. સોહાના તેની સામે જોઈ મસ્તીવાળું
સ્મિત કરી રહી હતી. પછી બંને પરેશની વાત અંગે ચર્ચા કરવા લાગ્યા.
ધર્મીસ્ઠા ઓછાબોલી કન્યા હતી.
બધા ચર્ચા કરી રહ્યા હતા, દરમિયાન તે સૌને સાંભળી રહી હતી અને સ્ટ્રો વડે તેનું
ડ્રિંક પી રહી હતી. જેમ નિશાળના પ્રારંભમાં બાળકો બધા સાથે ફરતા, મિત્રવર્તુળ મોટું
રહેતું. વર્ગના બધા બાળકો સાથે રહેતા. પછી બે જુથ બનતા. એમાં બાળકો વહેંચાઈ જતાં, પછી એ બે જૂથમાં સરખી
રમતની અભિરુચિ ધરાવતા બાળકો અને અભ્યાસમાં અભિરુચિ ધરાવતા બાળકોના બીજા બે જુથ
બનતા. આ બે જૂથમાં છોકરીઓ-છોકરાઓ પોતે પસંદગી કરેલ ભાઈબંધ કે બેનપણી સાથેનું અલગ
નાનું જુથ બનાવતા. આવું બધી જગ્યાએ થતું હોય છે. શાળા, કોલેજ, ઓફિસ, વ્યાપાર
બધે. આ પાંચેય એ રીતે એકબીજાની નજીક આવ્યા. ૭ વર્ષ પહેલા શિક્ષણ પૂરું થયું હતું
પણ હજી પણ પાંચેયની મિત્રતા અકબંધ હતી. જેમ જેમ સમૂહમાં ફાટ પડતી જાય છે, તેમ તેમ નવા સમૂહમાં
મિત્રતા ગાઢ થતી જાય છે. અંતે ફક્ત બે વ્યક્તિ બચે છે. જે કાં તો જીવનભર માટે પાકા
મિત્ર બને છે અથવા તો પ્રેમી બને છે. પરેશ અને ધર્મીષ્ઠા ગાઢ મિત્રો બન્યા હતા.
સોહાના-રાજ પ્રેમી બન્યા હતા. બાકી બચ્યો નિખિલ જેનું આગળનું વર્તન તે પાંચેયના
જીવનમાં વળાંક લાવવાનો હતો.
રાજ-સોહાના ITIમાં
સાથે ભણતા હતા. એ સમયથી બંને એક બીજાને પસંદ કરતાં હતા અને ત્યારબાદ લગ્ન કરી લીધા
હતા. પરેશની સગાઈ તેના સમાજની કન્યા સાથે થઈ હતી. તેમના ગૃપમાં ફક્ત ધર્મીષ્ઠા અને
નિખિલ જ અપરણિત હતા. બરાબર ઘડિયાળનો કાંટો બાર પર પહોંચ્યો એટલે સોહાનાને ઘર
સાંભર્યું. ઘરે બાળકો એકલા હતા, માટે તેણે કહ્યું હવે નીકળવું જોઈએ. બધા પોત-પોતાનું વાહન
લઈને આવ્યા હતા ધર્મીષ્ઠા સીવાય. તેનું ઘર નિખિલને ઘરે જતાં વચ્ચે આવતું હતુ માટે
તે નિખિલ સાથે આવી હતી. થોડીવાર વાત-ચિત કર્યા બાદ બધા છૂટા પડ્યા.
નિખિલની ગાડીમાં એ.સી. ચાલુ
હતુ. બ્હાર ધીમો ધીમો વરસાદ ચાલુ થયો હતો. ગાડીમાં મ્યુઝિક વાગતું હતુ: 'તુ હર લમહા થા મુજસે
જુડા.'
થોડીવાર પછી તેણે કહ્યુ: "નિખિલ, એક વાત કહું?"
નિખિલ:
"હા,
બોલ."
"મારા
પપ્પાના ફ્રેન્ડનો એક છોકરો છે, પપ્પાની ઇચ્છા છે કે હું એની સાથે લગ્ન કરું, બન્ને ફેમિલી રાજી
છે. બસ,
મેં કોઈ જવાબ નથી આપ્યો.” નિખિલે રફલી ટર્ન લીધો અને વ્રૂમ કરતી ગાડી ભગાવી.
ધર્મીસ્ઠાની વાત સાંભળી અચાનક તે ઉગ્ર બની ગયો. ધર્મીષ્ઠા મોટેથી બોલી:
"નિ...ખિ...લ! ધીમે ચલાવ."
શાંત થઈ, તેણે
સ્પીડ ધીમી કરી."તે કેમ કઈ જવાબ નથી આપ્યો?"
"હું
કન્ફ્યુઝ છું,
શું કરું કઈ ખબર નથી પડતી."
"તને
જે ગમે એ કર!" નિખિલે કહ્યુ અને મ્યુઝિકનો અવાજ વધારયો.
ધર્મીષ્ઠા
અવાજ ધીમો કરતા બોલી:"હું તારી સાથે વાત કરુ છું નિખિલ."
"તને
એ છોકરો ગમતો હોય તો હ પાડી દે, એમાં કન્ફ્યુઝ શું થવાનું?"
તેની આંખો એક જગ્યાએ સ્થિર ન
રહી,
તે ક્યારેક ધર્મીષ્ઠા તરફ ત્રાંસી નજરથી જોતો, ક્યારેક સાઇડ
ગ્લાસમાં જોતો,
ક્યારેક સ્ટિયરિંગ સામે જોઈ રિઅર-વ્યૂ મિરરમાં જોતો. તેના ચહેરા પર આછી વ્યાકુળતા
છવાઈ ગઈ.
"નથી
જાણવું તારે કોણ છે એ?" હળવેથી ધર્મીસ્ઠા બોલી.
"કોણ
છે એ?"
"એનું
નામ વિરાજ છે,
અમે બન્ને નાનપણથી એકબીજાને ઓળખીએ છીએ, એણે મને ચાર વર્ષ પહેલા લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ પણ
મેં એને ત્યારે ના પાડી હતી. એ સેલ્ફમેડ મેન છે. એના પપ્પાનો પોતાનો બિઝનેસ છે તો
પણ પપ્પાનો બિઝનેસ જોઇન કરવાને બદલે તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. આજે એની પોતાની
૭ ફાઇવ સ્ટાર હોટેલ્સ છે." આટલું બોલી તે ચૂપ થઈ. એ.સી.ની ઠંડી હવા તેના
ગુલાબી હોઠને અડી રહી હતી. એ હજી ઘણું બધુ વિરાજ વિષે કહેવા માંગતી હતી પરંતુ તે
ચૂપ રહી. તે એના નવા સ્ટાઈલની ટી-શર્ટના ખૂણાની ગોળ બેડી વાળી રહી હતી. તે અતિરેકમાં આવી ગઈ. હાથની મૂઠી વાળી
તે તેના જીન્સના પેન્ટ પર મૂઠી ફેરવી રહી. થોડીવાર વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઈ.
"તને
પ્રોબલમ શું છે?"નિખિલે પૂછ્યું.
"કોઈ
કારણ નથી મળતુ એની સાથે લગ્ન કરવાનું, તને ખબર
છે હું એની સાથે બોવ વાત પણ નથી કરતી."
"બસ, એટલે જ તો કારણ નથી મળતુ તને."
"એટલે?"
"એટલે
એમ કે તુ એની સાથે વાતચીત કર, એનો સ્વભાવ કેવો છે, શું ગમે છે એને, એ બધુ
જાણ... ૪ વર્ષ એણે તારો વેઇટ કર્યો, વિચાર કર એણે કેટલી તપસ્યા કરી, તારા માટે કેટલી સ્ટ્રોંગ ફિલિંગ હશે એને. બાકી આવા
રૂપિયાવાળા તો મહિનામાં કપડાથી વધારે ગર્લફ્રેંડ બદલે. રામને પણ સીતા ગમ્યા હતા પણ
સીતા પાસે ઓપ્શન ન હતા. તારી પાસે છે. સો યુઝ ઈટ."
"ઓકે...ઓકે, સમજી હું તારી વાત પણ તે જે છેલ્લે રામ અને સીતાનું કહ્યું
એ ખબર ના પડી. એ સમજાય ને."
નિખિલને
લાગ્યુ ન કહેવાનુ કહેવાઈ ગયું. તે બોલ્યો: "એનો મિનિંગ એ જ કે પહેલા જાણો, ઓળખો, સમજો અને પછી ડીસીજન લો."
"ઓકે."
તે બોલી.
ધર્મીષ્ઠાનું
ઘર આવી ગયુ. નિખિલે કહ્યું:"મને અત્યારે ઊંઘ આવે છે, કાલે વાત કરું."
"ઓકે, બાય, ગુડનાઇટ."
નિખિલે
કોઈ જવાબ ના આપ્યો. તે એને દરવાજા સુધી છોડવા બ્હાર પણ ન આવ્યો. ધર્મીસ્ઠા ગાડીની
બારીમાંથી બોલી: "શાંતિથી ચલાવજે અને ઘરે પહોચીને મને મેસેજ કર." નિખિલે
કોઈ જવાબ ન આપ્યો. તે ધમધમાટ ગાડી ચલાવતો નીકળી ગયો.
પૂનમની એ રાત હતી. ચંદ્રના
પ્રકાશનું તેજ એટલું તો હતુ જ કે બીજા કોઈ પ્રકાશની જરૂર ન પડે, તેમ છતા રસ્તા પરની દીવાગત્તિ ચાલુ હતી. આ નિર્જીવ અને
એકાંત રોડ પર ઉતાવળ ન હોવા છતાં નિખિલ એટલી ઝડપથી ગાડી હાંકતો હતો કે ફક્ત ૧૦
મિનિટમાં તેણે ૨૨ કી.મી. જેટલું અંતર કાપી નાખ્યું. તે ક્યારે શહેરથી દૂર નેશનલ હાઇ-વે પર
આવી ગયો તેનો પણ એને ખ્યાલ ન રહ્યો. તે જેમ-જેમ આગળ વધતો ગયો તેમ-તેમ ઇમારતો ઓછી
થવા લાગી અને વેરાન વિસ્તાર શરૂ થવા લાગ્યો. એ પછી ખેતરો શરૂ થયા. તેણે ગાડી ધીમી
પાડી. રોડની ડાબી તરફ ગાડી ઊભી રાખી. તે બ્હાર નીકળી ગાડીને ટેકો દઈ ઊભો રહ્યો.
દૂર ખેતરોની આગળ કોઈક અસ્પષ્ટ
પ્રકાશ સામે તે જોઈ રહ્યો. કોઈ અજાણી વ્યાકુળતા અને ઉદાસીનતાએ તેને ચિંતિત બનાવી
દીધો હતો. એ ચિંતા, એ ઉદાસીનતા કેમ છે તે એ સમજી શકતો ન
હતો. ૨૦૧૧માં તે I.T.I.માં ભણતો હતો ત્યારે ધર્મીષ્ઠા, રાજ અને બધાને મળ્યો હતો. તે બધા સાથે ભણતા હતા. તેમની
મિત્રતાના આજે સાત વર્ષ પૂરા થયા હતા. નિખિલ ગાડીના બોનેટ પર બેશી જૂના દિવસો
વાગોળવા લાગ્યો. કેવા એ લોકો સાથે ફરતા, મસ્તી
કરતાં. ભણતર પત્યા પછી બધા પોત-પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. ક્લાસરૂમમાં
એકબીજાના ખભે હાથ નાખી બેસવાવાળા, થાક લાગતા મિત્રના ખભે માથું ટેકવી સૂઈ
જતાં મિત્રો આજે ફક્ત ઔપચારિકતા દેખાડતા રહી ગયા. ધર્મીષ્ઠા ભલે ઓછાબોલી હતી પણ
મિત્રો આગળ નખરાં કરવામાં સૌથી આગળ રહેતી. પ્રેક્ટિકલનો લેકચર પત્યા બાદ, થાકી જવાનું એટલું નાટક કરતી કે જોડે નિખિલ હોય, રાજ હોય કે પરેશ હોય તેમની પાછળ લટકી જતી અને કહેતી કે ઘરે
મૂકી જાવ. મારાથી નહીં ચલાય. તે ત્રણેય એને પાર્કિંગ મૂકી જતાં. ત્યાંથી સોહાના
તેને એક્ટિવા પર ઘરે મૂકી જતી. ચાલુ એક્ટિવા પર સોહાના પાછળ ટેકો દઈ તે સૂઈ જતી
અને જો વચ્ચે ક્યાંય પાણિપુરીવાળો દેખાય તો જેમ ભગવાન શ્રીક્રુષ્ણને મિત્ર સુદામા
મળવા આવ્યો હોય એમ પ્રશન્ન થાય એ રીતે તે પ્રશન્ન થઈ જતી અને પાણિપુરી ખાવા ગાડી
ઊભી રખાવતી.
તે ચાલુ લેક્ચરમાં નાસ્તો કરવા
રોજ કઇકનું કઈક ખાવાનું લઈ જતી અને મિત્રોને પણ ખવડાવતી. ચીકકી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ચણીબોર, આંબલી, કોઠું, બિસ્કિટ, કિટકેટ, ડેરિમિલ્ક, કાચી કેરી,
ખાટી મીઠી ગોળીઓ વગેરે, ચાલુ ક્લાસે કચક બચક કરી શકાય એવું બધુ નાસ્તાના ડબ્બામાં
ભરી જતી. એમના ગ્રૂપમાં તે એક જ એવી છૂપી રૂસ્તમ હતી કે અધ્યાપક બીજા ચારેયને
ક્યારેકને ક્યારેક ચાવતા કે ખાતા પકડી પાડતા પણ ધર્મીષ્ઠા ક્યારેય ન પકડાતી. તેની
પાસે ચાલુ ક્લાસે ખાવાની દુર્લભ પ્રતિભા હતી. તે મોઢામાં બિસ્કિટ ઓગાળીને ગળી જતી.
જેથી તે કદી પકડાતી નહીં. પરીક્ષામાં પણ આગળ વાળાના પેપરમાં જોઈ લેવાની અજબ કુશળતા
તે ધરાવતી. સપલી આપવાના બહાને આગળ જઇ અને પેન નીચે પાડી દઈ, પેન ઉપાડવાના બહાને આગળ વાળાના પેપરમાંથી એક એક માર્કના
ઓબ્જેક્ટિવ જોઈ લેતી. ફક્ત એ ચાર જ ક્ષણમાં નજર નાખી બધુ મગજમાં છાપી લેતી અને
પાછી પોતાની જગ્યાએ બેશી કશુક લખવાનું રહી ગયું હોય એવો ડોળ કરી ઓબ્જેક્ટિવ લખી
નાખતી.
મોટા પ્રશ્નમાં કદાચ ખોટું
લખાઈ જાય પણ ત્રણ વર્ષના અભ્યાસકાળમાં ક્યારેય તે ખોટા ઓબ્જેક્ટિવ લખી ન’તી આવી. એ ૧૨ માર્ક તેના પાકા જ હોય. પોતાને લખાઈ જાય એટલે
ફટાફટ પરેશને જવાબ લખાવતી, પછી રાજને મદદ કરતી. નિખિલ અને સોહાના
બંને હોંશિયાર એટલે એ બંને પરીક્ષાના ત્રણ કલાકમાં મોઢું ઊંચું કરી પેપરની બ્હાર જોવાનો
સમય પણ ન મળતો. પાસિંગ માર્ક જેટલું ધર્મીષ્ઠા લખી આવતી, બાકી પ્રેક્ટિકલ અને વાઈવામાં ખબર નહીં કેમેય કરી ફૂલ
માર્ક્સ લાવી દેતી જેથી તેનું ગાડું ચાલી જતું, ક્યારેય કોઈ વિષયમાં ફેઇલ ન’તી થતી. છેલ્લું પેપર હોય ત્યારે પાંચેયનું નક્કી જ હોય
પરેશના પપ્પાની બેકરી પરથી પેસ્ટ્રીઝ પેક કરાવી વાઈડ એંગલ સિનેમામાં 3 વાગ્યાના
શોમાં ફિલ્મ જોવા જવાનું. ફિલ્મ પછી એસ.જી. હાઇવેથી અડાલજની વાવ જોવા જતાં. એવું
મનાતું કે અડાલજની વાવમાં રૂપિયાનો સિક્કો પાણીમાં નાખી કોઈ ઈચ્છા માંગો તો તે
ફળતી. પાંચેયનો નિયમ કે સાથે જ વાવમાં સિક્કો નાખવાનો અને ઈચ્છા માંગવાની. સિક્કો
નાખી રાજ-સોહાના એકબીજાની સામે જોતાં. એ નજર પરથી જ કહી શકાય કે બંને કદાચ એકમેકનો
સાથ માંગતા હશે. ધર્મીષ્ઠા હંમેશા સિક્કો નાખી ત્યાં સુધી નીચે જોઈ રહેતી. જ્યાં
સુધી સિક્કો દેખાતો બંધ ન થાય.
વાવનું પાણી સહેજ ડહોળું
લાગતું, જેથી થોડીવાર બાદ સિક્કો જોવામાં
મુશ્કેલી પડતી છતાં, ધર્મીષ્ઠા નજર જીણી-મોટી કરતી, પોતાના સિક્કાને ઓળખી પાડવા જોયા કરતી. જ્યારે તેણે સિક્કા
પર ધ્યાન એકાગ્ર કર્યું હોય ત્યારે તેના હાથમાં જે વસ્તુ આવે તેની બેડી વાળવાનું
તે શરૂ કરી દેતી, અત્યારે તેની બાજુમાં નિખિલ ઊભો હતો, તે એના શર્ટની બાંયની બેડી વાળી રહી હતી. નિખિલ તેની
આંખોમાં જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો કે તેણે શું માંગ્યું હશે? તેની નાની મોટી થતી આંખો, પાણીમાં અન્ય લોકો સિક્કા નાખે એટલે પાણી ઉછળતા બનતા તરંગો
પોતાનો સિક્કો દેખાતા ધર્મીષ્ઠાના ચહેરા પર આવતું સ્મિત જોઈ તેને થતું કે આ ક્ષણ
બસ ચાલ્યા કરે... પૂરી ન થાય. ધર્મીષ્ઠા તેને ખભે આવતી. તે એની બાજુમાં ઊભો હોય
ત્યારે એમ થતું કે તેની કમરમાં હાથ નાખી વાવનું દ્રશ્ય જોયા કરે. સ્થિર પાણીમાં
સિક્કો પડતાં, ડૂપ અવાજ આવતો અને વમળો છૂટતા. આ દ્રશ્ય
જોવાની ધર્મીષ્ઠાને મજા આવતી. પોતાનો સિક્કો જોઈ તે નાની બાળકી જેમ રાજી થઈ જતી.
નિખિલ તેની સામે જોઈ, એને લઈને ઘણા વિચારો વિચારી નાખતો.
*
એ બધા દિવસો યાદ કરી તે ભાવુક
થઈ ગયો. થોડીવાર રહી પાછો ગાડીમાં બેશયો. ત્યાં જ ધર્મીષ્ઠાનો કોલ આવ્યો:
"હલો, ઘરે પહોંચ્યો કે નહીં?"
"જાઉં
છું, ડ્રાઈવ કરું છું બાય." કહી તેણે
કોલ કટ કર્યો. જે વ્યક્તિને લઈને તે વિચારી રહ્યો હતો એનો કોલ આવતા એક ક્ષણ તે
ગભરાઈ ગયો કે શું તેને જાણ તો નહીં થઈ હોય ને કે હું એના વિષે વિચારી રહ્યો છું.
માટે તેણે કોલ કટ કરી નાખ્યો.
ધર્મીષ્ઠાએ ફરી ફોન કર્યો.
નિખિલ માથે હાથ મુક્તા બોલ્યો: "આ જપ નહિ લે." તેણે ગાડીના આગળના
ખાનામાંથી સિગારેટનું પાકીટ કાઢયું અને એક સિગારેટ સળગાવી. ટ્રાફિક નિયમોનું પાલન
કરનાર નિખિલ આજે બેફામ રીતે ગાડી ચલાવતો હતો. ધર્મીષ્ઠાના કોલ આવવાના ચાલુ જ હતા.
તેણે મ્યુઝિકનો અવાજ વધાર્યો અને ફોનની બેટરી કાઢી પાછળની સીટ પર ફોન ફેંકી દીધો.
થોડીવાર પછી તેણે ગાડી સાવ
ધીમી કરી નાખી. જાણે એની બેચેનીના ભારે તેની ગતિ ધીમી કરી નાખી હોય. નિખિલ તેના
ઘરે પહોંચ્યો. તેના પપ્પા તેને બારીમાંથી જોઈ રહ્યા હતા. નિખિલે ફોનમાં બેટરી નાખી
ફોન ચાલુ કર્યો. ૭ મિસકોલ હતા. જોવાની જરૂર ન હતી કે કોના હતા. તેણે એના પપ્પાને લેંડલાઇન પર ફોન કર્યો:
"સૂઈ જાવ, હું આવું છું." ફોન કટ કરી તેણે ધર્મીષ્ઠાને
મેસેજ કર્યો:’પહોંચી ગયો ઘરે.’ અને પછી તેનો કોંટેક્ટ ખોલી ફોટો જોવા લાગ્યો. પછી મનોમન
બબડ્યો: "પાગલ." તે તેના રૂમમાં આવી સીધો સૂઈ ગયો.
રાતના બે વાગી ગયા. નિખિલ
ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ ઊંઘ તો આવે જ શેની? વિચારો બંધ થાય તો ઊંઘ આવે ને. તે કન્ફ્યુઝ હતો. શું મારે
એને કહી દેવું જોઈએ કે હું એને પ્રેમ કરું છું, ના યાર એવું કહીશ તો એને ખોટું લાગી જશે, ફ્રેંડશિપ પણ તૂટી જશે. એક સારા મિત્ર તરીકે મેં એને યોગ્ય
સલાહ તો આપી દીધી પણ વાત હવે અહિયા મારા પ્રેમની છે. મારે શું કરવું? નિખિલે મનોમન નક્કી કરી લીધું કે તે વિરાજનું બેકગ્રાઉંડ
તપાસશે. તેના વિષેની માહિતી મેળવશે અને જો તે ધર્મીષ્ઠાને લાયક હશે તો જ બન્નેના
લગ્ન થવા દેશે. નિખિલનો આ નિર્ણય દ્રઢ છે કે નહીં એની એને પણ ખબર ન હતી.
હવે, આ રમતમાં નિખિલ પોતાની લાગણીને દાવ પર મૂકી રહ્યો હતો. જો
એ હારયો તો તેણે પોતાની લાગણીઓનું ગળુ દાબી દેવું પડશે. માણસમાં કેવી
સ્વાર્થીપણાની વૃત્તિ હોય છે. તેમ છતાં જ્યારે લાગણીઓ અને આશક્તિની ભીંસમાંથી તે પસાર
થાય ત્યારે એ સંઘર્ષમાં કોઈ નિર્દોષ મનની લાગણીઓને મારી નાખવામાં આવે છે. જેને
ચાહીને પામી ન શકવા વાળા લોકો પોતાને 'સ્ટ્રોંગ' માને છે, એમણે વિચારવું જોઈએ તમે જેને ચાહીને
પામી ન શક્યા તેમ છતા જીવી રહ્યા છો માટે તમે સ્ટ્રોંગ છો ? કે તમે તમારી લાગણીઓનું ગળું દાબી ફરીથી ખુશીથી જીવવાનો
પ્રયત્ન કર્યો છે માટે સ્ટ્રોંગ છો? વિચારવું જોઈએ.
સવારના ૪ વાગ્યા. તેને ઊંઘ ન
હતી આવી રહી. તે નાહવા ગયો. નાહીને આવ્યો ત્યારે કોઈ કામ કર્યું ન હતું છતા થાક
લાગી રહ્યો હતો. પાછો પથારી પર આડો પડ્યો અને સૂઈ ગયો. સવારે સાડા નવ વાગતા ધર્મીષ્ઠાનો
કોલ આવ્યો. તે નિખિલની ઓફિસ પર એની રાહ જોઈ રહી હતી. નિખિલ ઊંઘમાંથી ઉઠી ફોન
ઉપાડ્યો.
૨ મિનિટ સુધી તે ચૂપચાપ
સાંભળતો રહ્યો. ધર્મીષ્ઠા તેને ઠપકો આપી રહી હતી. નિખિલ અધવચ્ચે બોલ્યો:"હું
ઊંઘમાં હતો રાત્રે, તારે ઓફિસ જવાની જરૂર ન હતી, ચલ હું આવું છું થોડીવારમાં." કહી તેણે ફોન કટ કર્યો.
નિખિલ દરરોજ ૮ વાગે ઓફિસ પહોંચી જતો પણ આજે ૧૦ વાગે પણ તે ઘરે હતો. ફટાફટ તૈયાર થઈ
ઓફિસે પહોંચ્યો.
ધર્મીષ્ઠા નિખિલની કેબિનમાં
બેશી હતી. જેવો નિખિલ કેબિનમાં ગયો તે એના પર ત્રાટકી, તે એને બોલવા લાગી: "કાલ રાતનું શું થયું છે તને? કેમ આવું વિચિત્ર બિહેવ કરે છે?" નિખિલ કમ્પ્યુટરમાં અટેન્ડન્સ લિસ્ટ ચેક
કરવાનો ડોળ કરતા-કરતા બોલ્યો:"આપણે સાંજે મળીને વાત કરીએ, ઓકે?"
ધર્મીષ્ઠા ખુન્નસથી તેની સામે
જોઈ રહી હતી. તે જાણતી હતી કે જ્યારે-જ્યારે નિખિલ કઈક છુપાવતો હોય ત્યારે તે આંખો
મિલાવી વાત કરી શકતો નહીં.
"શું
થયું છે કાલ રાતનું ? જ્યારથી મેં તને વિરાજની વાત કહી છે તું
મારી સાથે સરખી વાત કેમ નથી કરતો ?"
"ના
બાબા... એવું કઈ નથી, બરાબર તો વાત કરું છું."
ધર્મીષ્ઠા
થોડી ઉદ્વિગ્ન થઈ બોલી: "બે નિખિલ યાર... તું કઈક છુપાવે છે મારા થી, કે'ને શું વાત છે ?"
"કઈ
નથી છુપાવતો બાબા, સાંજે વાત કરીએને શાંતિથી, અત્યારે જા ને."
ધર્મીષ્ઠા ગુસ્સાથી તેની સામે જોઈ રહી. આ
વખતે તો નિખિલને પણ એની બીક લાગી. તે ફરી કમ્પ્યુટર મંતરવાનો ડોળ કરવા લાગ્યો. ધર્મીષ્ઠા
તેને મારવા લાગી: "તું... તુ નાલાયક કાલ રાતનો બગડી ગયો છે, કેટલા ફોન કર્યા, સરખી
વાત નથી કરતો, કે'તો પણ નથી તને શું થયું છે ?"
"અરે...
બાબા પણ મારે છે કેમ? સાંજે મળીને કહું બધુ..."
"હજી
સાંજે કે' છે, તુ ઊભો રે, હવે તારી વાત છે..."
ધર્મીષ્ઠા બાજુમાં પડેલી
વાંસની કોઠીમાંથી શો-પીસમાંની એક લાકડી કાઢી નિખિલને મારવા દોડી. નિખિલ ખુરશીમાંથી
ઊભો થઈ પાછળ ખસ્યો. નિખિલ હાથ આડા કરી બચાવ કરતાં બોલ્યો: "ઓય... આ વાગે, રેહવા દે, આની મસ્તી નૈ..."
"મજાક લાગે છે તને, ફોન કેમ ન'તો ઉપાડતો ?" કહેતા ધર્મીષ્ઠા તેને મારવા લાગી.
"આહ...
આ... એ,.. ઑ... સોરી... એ પણ સોરી યાર! બે બસ હવે, છોડ."
તે પાછળ ખસતા-ખસતા સોફા પર
પડ્યો. તેણે લાકડી પકડી લીધી અને પોતાના તરફ ખેંચી. ધર્મીષ્ઠા નિખિલ પર પડી.
કેબિનમાંથી અવાજ આવતા આખો સ્ટાફ દરવાજે કાન લગાવી ઊભો રહ્યો. ધર્મીષ્ઠા-નિખિલ
બીજીવાર આવી રીતે એકબીજાની આટલા નજીક આવ્યા હતા.
જ્યારે
બંને આઇ.ટી.આઇ.માં ભણતા હતા ત્યારે નવરાત્રિ મહોત્સવ વખતે 'બેસ્ટ ક્લાસરૂમ ડેકોરેશન'ની સ્પર્ધાના એક દિવસ પહેલા ક્લાસરૂમ સજાવતા હતા. શિયાળાનો
સમય હતો. સાંજના ૬ વાગી ગયા હતા. અજવાળુ પોંઢવા લાગ્યું હતુ. તેમનો ક્લાસરૂમ છેક
ખૂણામાં હતો, ત્યાં પ્રકાશ ઓછો હતો. સફાઈ કામદારો
સિવાય કોઈ ત્યાં ન હતું. એકદમ શાંત વાતાવરણ હતું. ડર લાગી જાય એવો નિર્જીવ
ક્લાસરુમ થઈ ગયો હતો. એવામાં અચાનક વીજળી જતી રહી. ત્યારે ધર્મીષ્ઠાએ ગભરાઈને
નિખિલને બથ ભરી લીધી હતી. નિખિલે ત્યારે તેને જકડી લીધી હતી.
અત્યારે
પણ નિખિલ તેને પોતાનાથી દૂર જવા દેવા ન'તો માંગતો. નિખીલે એને કમરથી પકડી રાખી
હતી. ધર્મીષ્ઠા છૂટવા મથતી રહી. આ ભાગદોડમાં એના વાળ ખૂલી ગયા. નિખિલના ચહેરા પર
એના વાળ આવવા લાગ્યા. એના દેહની ખુશ્બુમાં માદક્તા હતી. જે નિખિલને મદહોશ કરી રહી
હતી. થોડીવારમાં તેણે પોતાને નિખિલની બાંહોમાંથી છોડાવી. તેના કપડાં અને વાળ
અસ્ત-વ્યસ્ત થઈ ગયા. તે ઊભી થઈ અને પોતાની કાયા સરખી કરવા લાગી. ધર્મીષ્ઠા હાંફી
રહી હતી. તેના કારણે તેના વક્ષનો ભાગ ઉપર-નીચે થયા કરતો હતો. નિખિલ નિર્લજ્જતાથી
તેનું નિરીક્ષણ કરી રહ્યો. "શું જોઈ રહ્યો છે?"
"તારા વાળ ખુલ્લા રાખને, તારા વાળ ખુલ્લા હોય ત્યારે
બોવ જ સરસ લાગે છે."
"નાલાયક, મારી જોડે ફ્લર્ટિંગ કરે છે, સાંજે મળ, ત્યારે તારી વાત છે."
મોઢામાં માથાની પિન ભરાવી તે વાળ બાંધી રહી હતી.
"ઓકે બાબા..."
"મેસેજ કરું હમડા, બાય."તે બોલી અને
ત્યાંથી નીકળી.
"બાય." નિખિલ એને જોઈ રહ્યો.
અવાજ બંધ થતા સ્ટાફ
પોત-પોતાના કામે વળગી ગયો. ધર્મીષ્ઠા કેબિનની બ્હાર આવી ત્યારે બધા તેની સામે જોઈ
રહ્યા હતા. તે વાળ બાંધતી ફટાફટ ચાલવા લાગી. તેના ગયા બાદ નિખિલે વિરાજની માહિતી
નિકાળવાનું શરૂ કર્યું. તેની હોટેલ્સ, મિત્રો, ફેમીલી, પ્રોપર્ટી, શોખ, વ્યકતીત્વ વગેરે. જેવુ બધુ જ તેણે શોધી
કાઢ્યું. વિરાજની એક ફિશિંગ કંપનીનું નામ 'ધર્મીષ્ઠા ઇમ્પોર્ટ & એક્સપોર્ટ' છે. તેની જાણ ધર્મીષ્ઠાને પણ ન હતી. વિરાજે તેના અને ધર્મીષ્ઠાના
લગ્ન માટે નળસરોવરમાં ૪ ફાર્મ હાઉસ ખરીદ્ર્યા હતા. એના વિષે બધુ જાણ્યા પછી નિખિલ
એટલું તો સમજી ગયો કે વિરાજ ધર્મીષ્ઠાને પ્રેમ તો કરતો જ હશે. તે ક્યારેય એને દુ:ખી નહીં થવા દે.
નિખિલ
દ્વિઘામાં મૂકયો. મિત્રતા ખરાબ થઈ જશે, તે ડર થી ધર્મીષ્ઠાને કહેવા ન'તો માંગતો કે તે એના માટે શું
ફિલ કરે છે. તો બીજી તરફ એના લગ્ન બીજા કોઇની સાથે થાય તે પણ જોવા ન'તો માંગતો. બે રીતના પક્ષપાતી
વિચારો નિખિલનું મન વિચલિત કરી રહ્યું હતું.
ચંદુ
ચપરાશી રાબેતામુજબ ચા ના સમયે ઓફિસમાં તાજગી રેડવા આવી ગયો. ધર્મીષ્ઠાનો મેસેજ આવ્યો.
મેસેજમાં તેણે જે કાફેમાં મળવાનું હતુ તેનું સરનામું લખ્યું હતુ. નિખિલે ચા ન પીધી, તે વિચારતા-વિચારતા ખુરશી પર
જ સૂઈ ગયો. સવારનો તે કેબિનની બ્હાર ન'તો નીકળ્યો. આજે પહેલી વાર એવું બન્યું.
પાંચ વાગતા તેની આંખ ખૂલી. આજે ઓફિસથી તે વ્હેલા નીકળી ગયો. ૬:૩૦ વાગતા બન્ને
કાફેમાં મળ્યા. થોડીવાર ઔપચારિક વાતો કરી ત્યારબાદ ધર્મીષ્ઠાએ પૂછ્યું: "શું
થયું છે કાલ રાતનું તને?"
હિમ્મત એકઠી કરી નિખીલે વાત કહેવાની
શરૂઆત કરી:"જો હું કોઇની સાથે તને લગ્ન નહીં કરવા દઉં, આપણા ગૃપમાં બધા સેટલ થઈ ગયા યાર, બધાના લગન થવા લાગ્યા, બાળકો થવા લાગ્યા, કોઈકના બિઝનેસ સેટ થઈ ગયા અને હું હજી એકલો લૂખ્ખો લવારો
ફરુ છું."
"ઓહહ ડિયર, તું ચિંતા ન કર, બધુ
હેમ-ખેમ થઈ જશે."
"ખોટી સહાનુભૂતિ ન આપ મને."
"તો તું જ કે શું કરું તારા માટે?"
"ના પાડી દે લગ્નની..."
"વોટ?"
"આય મીન યાર, આપણે કેવા મજાથી રહેતા હતા જ્યારે ભણતા હતા ત્યારે, શનિવારે ફરવા જતા, મૂવી જોતાં... બધુ પતી ગયું હવે, બધા પોત પોતાની લાઈફમાં વ્યસ્ત થઈ ગયા...
(થોડીવાર પછી) મારે તારો સાથ જોઈએ છે, હું તારી સાથે જીવવા માંગુ છું. (કહેતા તેણે ધર્મીષ્ઠાના
હાથ પર હાથ મુકયો) ધર્મીષ્ઠા આઇ લવ યુ!"
"શું બોલે છે? મજાક ના કર તું." હાથ હટાવતા તે
બોલી.
"તને હું અત્યારે મજાકના મુડમાં
લાગુ છું? સાચું કહું છું."
“નિખિલ યાર... કેમ આટલા સમય પછી આમ કરે
છે?”
“આટલા સમય પછી? ના, પહેલાથી જ મને તારા માટે ફિલિંગ્સ હતી.
ભણતા હતા ત્યારથી.”
“આર યુ સિરિયસ? તું મજાક નથી કરી રહયોને?”
“બોવ હિમ્મત ભેગી કરી છે મેં આ વાત તને
જણાવા માટે. આઇમ ડેમ સિરિયસ.”
"કોને કોને ખબર છે?" ધર્મીષ્ઠાએ પૂછયુ.
"શું, કોને ખબર છે?"
"આ વાતની, જે તું અત્યારે મને કહી રહ્યો છે."
"જો તું મારી વાત સાંભળ, હું તને બધુ જ..."
"નિખિલ કોણ કોણ જાણે છે આ વાત?"
"બધા. રાજ, પરેશ, સોહાના.."
"અને કેટલા ટાઈમથી આ વાત છુપાવી તમે
બધાએ મારાથી?"
"I.T.I માં ભણતા હતા ત્યારથી."
ધર્મીષ્ઠા
અચંબિત થઈ ગઈ. હવે તે વિચારવા લાગી, પાછળના બધા બનાવો તે મગજમાં ગોઠવવા લાગી, કેમ સોહાનાએ એની સામે જોઈને નિખિલને લગ્નનું પૂછ્યું હતુ, કેમ પરેશે ટોપીક બદલી નાખ્યો, કેમ નિખિલ લગ્નની વાત અને મેરેજ બ્યુરોવાળી વાત સંભળાવા
કહી રહ્યો હોય એ રીતે બોલ્યો હતો. હવે, તે બધુ
સમજવા લાગી.
"આટલા ટાઇમથી તમે બધા એ આવી વાત
મારાથી છુપાવી, મને કીધુ પણ નહીં. એટ લીસ સોહાનાએ પણ મને ના કીધુ ક્યારેય."
"મેં એ લોકોને ના પાડી હતી."
"હાવ કુડ યુ નિખિલ? આવી વાત તમે મારાથી છુપાવી, તમને મારી ફેમિલીની જેમ ક્લોઝ રાખ્યા હતા અને મારી પીઠ
પાછળ તમે લોકો આવું બધુ કરો છો?"
"બધાને આમાં ઇન્વોલ ન કર. ધર્મીષ્ઠા
મારા માટે થઈને એ લોકો ચૂપ રહ્યા, માટે તને કઈ ન કહ્યું કોઈએ."
"ઓકે, તો એમના માટે તું જ એક ઇમ્પોરટંટ છે એમ ને? હું નહીં."
"ધર્મીષ્ઠા ડોન્ટ ટેક ઈટ રોંગ વે!
એવું કાંઇ છે નહીં, જેવુ તું વિચારે છે. અત્યારે તું આપણી
વાત પર ફોકસ કરીશ તો વધારે સારું રહેશે."
"યુ નો વોટ, મારે હવે વિચારવું પડશે, તમારી સાથે બેસતા, વાત કરતાં, નજીક આવતા. આઈ હેવ ટુ થિંક ઓલ
ધીસ."
"ઓકે. પણ તું મારા લીધે આખા ગૃપ
સાથે રિલેશન ખરાબ ન કર."
"મારે વિચારવું પડશે, તમારા બધા સાથે આગળ વધતા પહેલા... શું ખબર હજી કેટલી વાતો
છુપાવી હશે."
"કઈ છુપાવ્યું નથી, ધર્મીષ્ઠા કેમ તું આવું કરે છે?"
"આઈ'મ ગોઇંગ!"
"વોટ?"
ધર્મીષ્ઠા તેનો મોબાઈલ અને હેંડબેગ લઈ
ઊભી થઈ.
"ધર્મીષ્ઠા ધીસ ઈઝ ટૂ મચ. એટલીસ વાત
તો કર મારી સાથે."
"મારે વિચારવું પડશે, બાય."
નિખિલ ધર્મીષ્ઠાને રોકવા ઊભો થયો.
ધર્મીષ્ઠા કાફેની બ્હાર નીકળી ગઈ. નિખિલ તેની પાછળ ગયો:“ધર્મીષ્ઠા, વેઇટ યાર... ડોન્ટ ડુ ધીસ.” તેણે એનો હાથ પકડી એને ઊભી
રાખી. બંને પાર્કિંગમાં આવી ગયા હતા. આસપાસ જતાં લોકો તેમને જોઈ રહ્યા. ધર્મીષ્ઠાએ
આ બાબત નોટિસ કરી. તે બોલી:”નિખિલ, ખોટો સીન ક્રિએટ ના કરીશ. જવા દે મને.”
“એક મિનિટ મારી વાત તો સાંભળ, આમ, ના જઈશ.”
“નિખિલ લીવ માય હેન્ડ! લેટ મી ગો...!”
તેણે એનો હાથ છોડી દીધો. ધર્મીષ્ઠા તેની એક્ટિવા પર બેસી દુપટ્ટો બાંધવા લાગી.
“ધર્મીષ્ઠા, તું ખોટું સમજી રહી છું, એ બધાએ તને એટલે ના કહ્યું બીકોઝ તું કદાચ મને બોલાવાનું
બંધ કરી દઇશ, આપડું ગ્રૂપ તૂટી જાત, માટે એ લોકોએ ના કહ્યું એન્ડ મેં શું કઈ ખોટું કર્યું યાર? આઈ હેવ ફિલિંગ્સ ફોર યુ. ત્યારે જો મેં તને કહ્યું હોત તો
તું શું આમ જતી રહી હોત?”
ધર્મીષ્ઠાએ હેલ્મેટ પહેર્યું અને ત્યાંથી
જતી રહી. નિખિલ એને જતાં જોઈ રહ્યો. તે નિરાશ થઈ ગયો. જે બાબતનો ડર હતો તે બાબત
બની ગઈ. તેણે પરેશને ફોન કર્યો.
"હલો."
"હેલો, બોલ નિખિલ."
"મારે મળવું છે તને." તેનો
અવાજ ભારે થઈ ગયો.
"આવી જાવ આપણા ત્યાં."
"સારું, હું આવું છું."
પરેશની
પોતાની બેકરી હતી. બેકરીની પાછળ રેસ્ટોરન્ટ હતું. તેનું રેસ્ટોરન્ટ બે માળનું
હતું. તેની બેકરીની ચાર અલગ અલગ બ્રાન્ચ હતી. તેણે તેનો વેપાર જમાવી દીધો હતો. પરેશ
કદી કોઈ વાતની ચિંતા કરતો નહીં. ભણતો હતો ત્યારે, કમાવાનો સમય આવ્યો ત્યારે, જીવનસાથી ની પસંદગી વખતે કે કોઈપણ સમયે તે જરા પણ ઉદ્વિગ્ન
થતો નહીં. જે થાય એ જોયું જશે. એમ માનીને તે જીવતો. બધાને તેની સાથે રહેવું ગમતું, તે ખુશમિજાજી માણશ હતો. નિખિલ તેને મળવા આવ્યો. તે તેના
રેસ્ટોરન્ટની અગાશી પર બેઠો હતો. નિખિલ આવ્યો અને બધી વાત કરી.
"નિખિલ મને પણ એવું લાગે છે કે આપણે
વાત છુપાવીને ખોટું કર્યું અને કેટલો સમય થયો, છ વર્ષ થી તું એને પ્રેમ કરે છે અને તે એને કહ્યું નહીં
"
"જો હું મારૂ કરિયર સેટ કરવા માગતો
હતો, રૂપિયા વગર કેમનો હું એને પ્રપોઝ કરું.
ઘર-સંસાર શરૂ કરતાં પહેલા રૂપિયા તો હોવા જોઇએ ને."
“હા, પણ દોસ્ત આ રાઇટ ટાઈમ ન’તો એને આ વાત કરવાનો... એક કામ કરીએ, રાજ-સોહાનાને વાત કરીએ, સાથે મળીને કઈક ઉપાય શોધીએ."
"ઓકે. (થોડી વાર પછી) હું રાજને ફોન
કરીને કહી દઉ છું કે આપણે આવીએ છીએ॰"
"સારું." પરેશ બોલ્યો.
નિખિલે
રાજને કોલ કરી મળવાનું નક્કી કર્યું. રાજે દસ વાગ્યા પછી આવવાનું કહ્યું. કોલ
પત્યા બાદ પરેશ નિખિલની સામે એકીટશે જોઈ રહ્યો હતો.
"શું?" નિખિલે પૂછ્યું.
"તને ના પાડી દીધી એણે!" કહી
પરેશ હસવા લાગ્યો.
"હા બોવ સારું!" નિખિલ ભોંઠો
પડી ગયો.
પરેશ મોટેથી હસવા લાગ્યો:"હે
ભગવાન... આ છોડિયું! કોણ સમજી શક્યું છે એમને? પ્રાચીન કાળથી આપણે ભાયડાઓ બાયુને નારાજ કરતાં આવ્યા છીએ. એટલે તે કઈ બવ મોટો ગુનો નય કર્યો તું પણ માણસ જ છું ને...
કાચી માટીનો(કહી તે હસવા લાગ્યો)તારાથી પણ નારાજ થઈ શકે છે. સારું થયું તને બેગ
માથામાં ન માર્યું એણે.(કહેતા તે હસતો રહ્યો) હશે હવે, સીગારેટ પીવી છે?"
નિખિલ:"હા."
"ચલ તો." કહી પરેશ તેના ખભા પર
હાથ મૂક્યો અને રેસ્ટોરન્ટની બ્હાર પાનના ગલ્લે લઈ ગયો.
નિખિલ
રેસ્ટોરન્ટ પર આવ્યો હતો એટલે પરેશે તેના ઘરે ફોન કરી કહેડાવી દીધું કે તે
રેસ્ટોરન્ટમાં જ જમી લેશે. નિખીલે પણ તેના ઘરે કોલ કરી કહી દીધું કે તે આજ મોડો આવશે. પછી બંને સાથે જમ્યા અને
થોડીવાર ટી.વી.માં મેચ જોઈ. નિખિલનું તેમાં મન ન લાગ્યું. તે ધર્મીષ્ઠા અંગે વિચાર
કરી રહ્યો હતો. રાતે સવા દશ વાગતા રાજના ઘરે નિખિલ-પરેશ પહોચી ગયા. પરેશે ડોરબેલ
વગાડી રાજે દરવાજો ખોલ્યો. બંને અંદર આવ્યા.
"શું કઈ ગંભીર બાબત છે?" રાજે પૂછ્યું.
"જબરું થયું યાર, મને તો બોવ દુખ થયુ." પરેશ બોલ્યો.
રાજ:"શું થયું?"
નિખિલ
નિરાંશ થઈ સોફા પર બેઠો. રાજ ઈશારાથી પરેશને પૂછવા લાગ્યો. પરેશે ઇશારામાં જ જવાબ
આપ્યો. રાજના ચહેરા પર સ્મિત આવ્યું. તે પોતાનું મોં દબાવી હસવું રોકી રહ્યો હતો.
થોડીવાર વાતાવરણમાં શાંતી ફેલાઈ ગઈ. રાજ-પરેશને કઈ શુજયું નહીં, શું બોલવું-શું કરવું. દસ મિનિટ સુધી નિખિલ મોઢું નીચું
કરી આંખ ઉપર હાથ રાખી બેશી રહ્યો. રાજ-પરેશ ક્યારનાય એકબીજાને ઈશારાથી કઈક બોલવા
કહી રહ્યા હતા.
છેવટે પરેશ બોલ્યો: "અઅઅ... નિખિલ, હું તારી સાથે છું...? "આટલું બોલી તે વિચારવા લાગ્યો. તે શું બોલ્યો. તે
પછી રાજ બોલ્યો:” હા... હા, અમે બધા, તારી... સાથે છીએ."
"તમે બધા તો સાથે છો પણ એ સાથે નથી
ને." નિખિલ રડવા જેવો થઈ ગયો.
"તું ચિંતા ન કર, આપણે કઈક રસ્તો નીકાળીએ." કહી રાજે તેને ગળે લાગવ્યો.
"નિખિલ, અંતે તો બધુ સારું થઈ જશે, થોડી હીમત રાખ" પરેશ બોલ્યો.
નિખિલ અસ્તવ્યસ્થ લાગતો હતો. તેણે રાજને
કહયું "તું પ્લીજ સોહાનાને બોલાવને. એ કયા છે?"
"એ છોકરાઓને સુવડાવા ગઈ છે. મેં
તમને એટલે દસ વાગે આવવાનું કહયું ત્યાં સુધીમાં છોકરાઓ ઊંઘી જાય, બાકી સ્કૂલેથી આવે એટલે બંને તોફાન-તોફાન કરી નાખે."
થોડીવાર બાદ રાજ બોલયો:"આવતી હશે
હવે, મેં એને કહયું હતું કે તમે બંને મળવા આવવાના
છો."
સોહાના
આવી, નિખિલ તેને બથ ભરી રડવા લાગ્યો. સોહાના
એકદમ સ્તબ્ધ થઈ ગઈ.
"એ હે... આવું ના ચાલે હોં, અમારી જોડે તો ના રડ્યો, તારી જોડે આવીને રડવા લાગ્યો." પરેશ મસ્તીમાં બોલ્યો.
"બધાની સામે જો રડી શકાતુ હોત તો
કેટલું સારું હોત નૈ?" સોહાના બોલી.
પરેશ ચૂપ થઈ ગયો. કયા કારણથી નિખિલ
રડી રહ્યો હતો તેનાથી તે અજાણ હતી. તે નિખિલને માથે હાથ ફેરવી શાંત કરવા લાગી.
તેણે રાજને પાણી લઈ આવવા ઈશારો કર્યો. રાજે ઇશારાથી પુછ્યું: હું લેવા જઊ? સોહાનાએ આંખો જીણી કરી હા માં ઈશારો કર્યો. રાજ પાણી લેવા
ગયો. નિખિલ રડી રહ્યો હતો, સોહાના હજી તેને પંપાળી રહી હતી. તેણે
પરેશને ઇશારાથી પુછ્યું:”આને શું થયું છે?" પરેશે પણ હસતાં ઈશારામાં જવાબ આપ્યો:"પેલી એ ના પાડી દીધી." સોહાના તેને
શાંત કરી રહી. નિખિલ બધો આરોપ પોતાના પર લઈ રહ્યો હતો જાણે એનો વાંક હોય. સોહાના
તેના માથે હાથ ફેરવી, તેને સોફા પર બેસાડયો, નિખિલની પાસે બેસી અને તેને શાંત કરી રહી.
કેવી
રીતે શું થયું, ધર્મીષ્ઠાએ કેવું રીએક્ટ કર્યું? એ બધુ નિખીલે જણાવ્યુ. રાજ પાણી લઈ આવ્યો, તેણે મેજ પર પ્યાલો મૂક્યો. થોડીવાર બધા મૌન રહ્યા, હવે પરિસ્થિતિથી સૌ ગંભીર થઈ ગયા. નિખિલ પર જે વીતી રહી હતી, તેને ધ્યાનમાં રાખી બધા તેને પીડામાંથી બ્હાર લાવવા માંગતા
હતા. ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ રાજે તેને આપ્યો. પાણી પી નિખીલ બોલ્યો:
"તું વાત કરને એને." સોહાના તેની સામે જોઈ રહી.
"એક મિનિટ, એ શું કામ વાત કરે?" રાજે પુછ્યું. નિખિલ તેની સામે જોઈ રહ્યો. રાજે આગળ
બોલવાનું ચાલુ રાખ્યું:"આય મીન, ધર્મીષ્ઠા
શું કામ તને પસંદ કરે, વિચાર્યું છે તે ક્યારેય?"
"તુ કહેવા શું માંગે છે?" નિખિલ બોલ્યો.
"હું એ કહેવા માંગુ છું કે એની સાથે
મેરેજ કરવાની તારી હેંશીયત શુ છે?"
"રાજ...!" સોહાના કડકાઇથી
બોલી.
"એક મિનિટ. લેટ મી ફીનીશ. એ વિરાજની
પાસે રૂપિયા, ગાડી, સ્ટેટસ બધુ છે. પ્લસ એના પપ્પા અને ધર્મીષ્ઠાના
પપ્પા સારા મિત્ર છે. તારો કોઈ ચાન્સ નથી, આટલા ટાઈમથી તે છુપાવ્યું અને હવે જ્યારે એ પોતાની લાઈફમાં
આગળ વધવા માંગે છે ત્યારે તું એના માર્ગમાં પત્થર બને છે."
"રાજ એવું ના બોલ." નિખિલના
ખભે હળવેથી હાથ ફેરવતા સોહાનાએ કહ્યું.
"કેમ ના બોલું યાર, તને ખબર છે ને કે આપણે કેમ ધર્મીષ્ઠાને આટલા ટાઈમથી આ વાત વિષે
ન કહ્યું."
સોહાના:"પણ અત્યારે તારે આ બધુ
બોલવાની શું જરૂર છે, રહેવા દે ને."
"જરૂરી છે અત્યારે બોલવું, આના કારણે આપણું ગૃપ આજે તૂટવા આવ્યું છે." રાજ જે
વિચારી રહ્યો હતો એ ૧૦૦ ટકા સાચું હતું.
"કેમ તમે એને ન કહયું?" નિખિલ નાભીમાંથી નીકળતા અવાજમાં બોલ્યો.
"મને એમ હતું કે તું ક્યારેય એને
તારા મનની વાત નહીં કહી શકું, એ બીજાની સાથે પરણી જશે તો પણ તું જોતો
રહીશ એટલે ન'તું કહ્યું."
બે
ઘડી શાંતી જળવાઈ રહી. તે ફરી પાછો બોલ્યો: "તે આજે તારા સ્વાર્થના કારણે આપણા
ગ્રૂપને તોડી નાખ્યું! એવું તને શું લાગ્યું કે તું એને પ્રપોઝ મારવા ગયો હેં? સાત વરહથી જેને તારા માટે પ્રેમ ના આવ્યો એને અચાનક તારા
માટે ફિલિંગ આવવા લાગશે? શું ગાંજો ફૂંક્યો છે તે? કે કોઈ પિચ્ચર જોઈને પ્રપોઝ મારવા ગયો હતો? આ કઈ મજાક ચાલે છે? શાહરુખ ખાન સમજે છે તારી જાતને ?" રાજ ત્રાટક્યો.
"રાજ બસ હવે." સોહાના તેને
અટકાવતા બોલી.
"બે પણ જો ને આ કેવું કરે છે. એટલીસ
જો એને પ્રપોઝ કરવું હતુ તો આપણને કહેવું તો જોઈએ કે નહીં? એની હામે હીરો બનવા જયો’તો. મૂર્ખ બન્યો છે તું મૂર્ખ!"
"સોરી ગાઈસ, મેં તમને બધાને મુશ્કેલીમાં મુક્યા, ફ્રેંડશિપ તૂટી ગઈ તમારી, આઈ'મ સોરી." નિખિલ ઊભો થઈ ચાલવા
લાગ્યો.
સોહાનાએ તેને રોક્યો: "નિખિલ ક્યાં
જાય છે બેશ."
"સોરી. મેં તમને બધા ને તકલીફ આપી.
મારી પ્રોબ્લમ છે હું તમને હવે વધારે પ્રોબ્લમમાં મૂકવા નથી માંગતો."
રાજને ગુસ્સો આવ્યો:”તો એને પ્રપોઝ મારતા
પહેલા વિચારવું જોઈતું હતું ને આ બધુ... કે હું આવું કઈ કરીશ તો બધાની ફ્રેંડશિપ
તૂટશે. અત્યારે હોંશિયારી મારે છે તો!”
"એક મિનિટ રાજ, શાંત થા... અત્યારે આપણે એની મદદ કરવાની છે લડવાનું
નથી." પરેશ બોલ્યો.
"શું મદદ થશે? શું મદદ કરીશુ તુ કે'તો?" રાજ રોષે ભરાયો.
"તુ શાંત રે’ પહેલા તો, પછી બીજું કૈંક વિચારીએ?" સોહાનાએ કહ્યું.
થોડીવાર બધા ચૂપ થઈ ગયા. "તુ મારા માટે
નહીં કરું એની સાથે વાત?" નિખિલ ની:સહાય બની સોહાના સામે જોઈ
રહ્યો હતો. રાજ સોફા પર બેશી નિહાળી રહ્યો હતો. તે કઈ ન બોલ્યો. પરેશ સોફાની પાછળ
ઊભો હતો. તેણે સોહાનાના ખભે હાથ મૂકી ફોન પર વાત કરવા ઈશારો કર્યો. સોહાનાએ ફોન
લગાવી, તેની વાળની લટ કાનની પાછળ ખોશી.
"હલો... હાઇ, મજામાં ધર્મીષ્ઠા?" ઉત્સુકતાથી બધા ધ્યાનથી સાંભળી રહ્યા
હતા અને સોહાનાને જોઈ રહ્યા હતા.
"મને નિખીલે વાત કરી, મને ખ્યાલ છે અમારે કહેવું જોઈતુ હતું બટ ન કહી શક્યા...
શું કરી શકાય હવે. એકવાર તુ એની સાથે વાત કર અમારી સાથે...(થોડી ક્ષણો બાદ) આટલા ટાઈમની
આપણી ફ્રેંડશિપ માટે તો કર આટલુ."
નિખિલ ચિંતામાં ટપટપ પગ હલાવા લાગ્યો. તેણે આગળ વાત ચાલુ રાખી.
થોડીવાર બાદ "વોટ! શું મજાક કરે છે
તું, અરે પણ આટલી જલ્દી કેવી રીતે... તુ મારી
વાત સાંભળ મળીને...(સામે છેડેથી ધર્મીષ્ઠા કઈક કહી રહી હતી) ઉતાવળે આવું પગલું ના
ભર... ધર્મીષ્ઠા આમ ના કર યાર,(થોડીવાર બાદ) સારું. જેમ તને ઠીક લાગે
એમ."
બધા સ્તબ્ધ થઈ ગયા. શું વાત થઈ ધર્મીષ્ઠા
સાથે તે જાણવાની ઉત્સુકતા વધવા લાગી.
"શું થયું? કે'ને જલ્દી?" નિખિલ બોલ્યો. બધાની નજર સોહાના પર
મંડરાઈ.
"એણે વિરાજને લગ્ન માટે હા પાડી
દીધી છે અને અમે એના ખાલી ફ્રેન્ડ છીએ ક્લોઝ ફ્રેન્ડ નથી રહ્યા, અને નિખિલની વાત આજ પછી કરવી નહીં, એવું એણે મને કહ્યું." સોહાના આટલું બોલી, ઊંડો સ્વાશ લીધો. નિખિલ પૂતળાની માફક ચોંટી ગયો.
"ક્યારે છે લગ્ન?" પરેશે પુછ્યુ.
"બે મહિના પછી." સોહાનાએ કહ્યું.
"બે આવું થોડી ચાલે યાર, સગાઈનો તો વચ્ચે ટાઈમ રાખવો જોઈએ ને. (પરેશની સામે બધા જોઈ
રહ્યા.) એટલે હું એમ કેહવા માંગુ છું કે વચ્ચે જો થોડો ટાઈમ હોત તો આ ભાઈનું ગોઠવી
દેત આપડે."
પરેશને
સોહાના અને રાજ બન્નેએ ઇગનોર કર્યો. નિખિલને આશ્વાસન આપવા લાગ્યા. અરધો એક કલાક
સુધી તે ત્રણેય નિખિલને સમજાવ્યો. નિખિલ ખાલી માથું ધુણાવી હા પાડતો. કદાચ છેલ્લી વાર તે એના ત્રણેય મિત્રોને
મળી રહ્યો હતો. કશું કહેવાની હાલત ન હતી. પણ અંતે તો તે બોલ્યો: "આમાં ખરેખર
મારો શું વાંક?"
(શાંતિ જળવાઈ રહી.)
*
ભાગ૧
પૂર્ણ.

Comments
Post a Comment