રાત્રિના સાડા અગિયાર વાગ્યા હતા. રિવરફ્રન્ટ બાજુ , સીડીઓ પર પાંચ મિત્રો બેઠા હતા. બધા હસી-મજાક કરી રહ્યા હતા. સાબમતીનું પાણી પશ્ચાદભૂમીમાં મૃદુતા ઘોળી રહ્યું હતું. એલિસબ્રિજ પર વાહનોની અવર-જવર હતી. કાન દઈ સાંભળવાનો પ્રયત્ન કરો તો વાહનોનો અવાજ સાંભળી શકાય. દર વર્ષે આ પાંચેય મિત્રો સ્નેહસંમેલન યોજતાં. તેના માટે આજે ભેગા થયા હતા. વાતો અને મજાક-મસ્તી ચાલી રહી હતી , સાથે સોફ્ટડ્રિંક્સની બોટલો પણ ઉલળી રહી હતી. સોફ્ટડ્રિંક પૂરું થતાં એક યુવક અને યુવતી દુકાને ફરી લેવા ગયા , બીજા ત્રણ મિત્રો વાતો કરી રહ્યા હતા. " આપણી જિંદગીમાં ખુશીઓ લાવનાર કોઈ હોય તો તે છે કુટુંબના મહારાજ અથવા મેરેજ બ્યુરોવાળા , બાકી તમે એમ માનો કે કોઈ છોકરી આવે , વાત કરે , પ્રેમ થાય અને પછી લગ્ન થાય ત્યાં આપણો મેળ ન આવે બોસ!" નિખિલ કોઈને સંભળાવી રહ્યો હો...